November 20, 2018

ખંભાળિયા-લીમડી હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ

હાઈવે પર ઉતરશે વિમાન: :જરુરી સુવિધા માટે સ્ટાન્ડર્ડ ડિઝાઈન બનાવાઈ
હવે ટૂંક સમયમાં જ ગુજરાતના હાઈ-વે પર પણ પ્લેન ઉતરતુ જોવા મળશે. હકીકતમાં ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઊભી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાતમાં એક હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગેની માહિતી આપી હતી.

માલસામાન તથા જીવન જરુરી ચીજવસ્તુઓના પરિવહન તથા સૈન્ય સંચાલન માટે સડક અને રેલવે માર્ગો મુખ્ય આધાર છે. પરંતુ કુદરતી હોનારત તેમજ કેટલીક ઈમરજન્સીની પરિસ્થિતિમાં રોડ રસ્તા અને રેલવે માર્ગે ખોરવાઈ જતા હોય છે. ત્યારે માત્ર આવી સ્થિતિમાં હવાઈ માર્ગ એક જ આખરી વિકલ્પ હોય છે. ત્યારે ઈમરરજન્સીની સ્થિતિમાં દેશના ખૂણે-ખૂણામાં મદદ પહોંચાડવા માટે ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડીંગની સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઈમરજન્સી લેન્ડીંગ વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઈન્ડિયન એરફોર્સનુ એક ઈન્ટર મિનીસ્ટ્રીઅલ કો-ઓર્ડિનેશન ગ્રુપ સાથે મળીને આ યોજના પર કાર્ય કરશે. તેમજ સ્થળની પસંદગી અને જરુરીયાત નક્કી કરવા ઈન્ડિયન એરફોર્સ અને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સંયુક્ત ઈન્સપેક્શન કરી સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

શરુઆતના તબક્કે જુદા જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા ઊભી કરવા માટે ફિઝિબિલીટી સ્ટડી હાથ ધરવામાં આવી હતી. જેના આધારે ૧૩ માર્ગો પર ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા નિર્માણ શક્ય જણાયુ. આ ૧૩ પૈકી ૨ માર્ગ જુદી જુદી રાજ્ય સરકારના હસ્તકના છે. ગુજરાતમાં આ ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ દ્વારકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ખંભાળિયા-લીંમડી હાઈવે પર બનાવાશે.


ખંભાળિયા-લીમડી હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ